Mihir Pathak | મિહિર પાઠક

સાગર રાણો - ઝવેરચંદ મેઘાણી

· Mihir Pathak

Found this very very interesting poem by Zaverchand Meghani.


[લોકગીતોના ઢાળોમાંથી ઘડેલો ઢાળ]

માળા ગૂંથી ગૂંથી લાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

ધરતીને હૈયે પે’રાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે

આઘે આઘે એની અનુપમ વાડી,

ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી,

વિધ વિધ વેલડી વાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા

ઊંડે પાતાળે ગાળ્યા એણે ક્યારા

રોપ્યા રાતલડીના રંગત તારા

નવલખ નદીઓ સિંચાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા

સોનલ ફૂલડે સવાર મલકતાં

સંધ્યાના થાળ ગુલાબે છલકતા

રજનીમાં ડોલર આવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા.

રાત દિવસ બીજાં કામ ન ફાવે,

ગાંડો પિયુજી લાખો ગેંદ ગૂંથાવે,

જૂજવા રંગ મિલાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા.

રીસભરી ધરણી નવ રીઝે

સ્વામીનાં દાન ત્રોડી ત્રોડી ખીજે

દરિયો વિલાપ બજાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા.

યુગયુગના અણભંગ અબોલા

સૂના સાગર કેરા હૈયા-હિંડોળા

ગરીબડો થઈને બોલાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે. -માળા.

કરુણાળુ બોલ કહાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

ગેબીલા શબદ સુણાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે

ચરણ ચૂમીચૂમી ગાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે

માળા ગૂંથી ગૂંથી લાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.

ધરતીને પાયે પે’રાવે

સાગર રાણો ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે.


સ્રોત

પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 197)
સંપાદક : જયંત મેઘાણી
પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
વર્ષ : 1997

#blog #other #poem

Reply to this post by email ↪